Home GUJARAT સૂરજબારી ટોલનાકું વટાવ્યાના તુરંત બાદ રોંગસાઈડમાં હોટલ પર નશાનો ઓવરડોઝ કરનાર ટ્રક...

સૂરજબારી ટોલનાકું વટાવ્યાના તુરંત બાદ રોંગસાઈડમાં હોટલ પર નશાનો ઓવરડોઝ કરનાર ટ્રક ચાલકનું મોત!

118
0

સુરજબારી પાસે આવેલી પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દુર આવેલી એક હાઇવે હોટલ પર નશાનો ઓવરડોઝ કરનાર ટ્રક ચાલકનું મોત નિપજ્યા બાદ આ બનાવને છુપાવવા હોટેલના સંચાલક સહિત ચાર જણાએ મૃતકની લાશ મચ્છુ નદીમાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના માળીયા પોલીસ મથકે નોંધાઇ છે પણ જે પોલીસ મથકની હદમાં આ જગ્યા આવે છે એ સામખિયાળી પોલીસ આવી ચોંકાવનારી ઘટનાથી હજી પણ અજાણ હોવાનું રટણ ચાલુ રાખ્યું છે.
પંજાબના ગોવિંદવાડ ખાતે રહેતો દેવેન્દ્રસીંગ અવતારસીંગ નાઇશીખ  નામકલ ટ્રાન્સપોર્ટ કેરિયર એન્ડ લોજિસ્ટિક ઇન્ડીયા પ્રા.લિ.માં બે વર્ષથી ડ્રાઇવિંગ કરે છે તા.11/11 ના દેવેન્દ્રસિંગ  ભુજથી માલ ખાલી કરીને તે ક્લિનર સુનીલ સાથે વડોદરા જવા નીકળ્યો હતો. બપોરે અઢી વાગ્યાના અરસામાં સૂરજબારી ટોલનાકું વટાવ્યાના તુરંત બાદ તે રોંગસાઈડમાં ટ્રેલર પાર્ક કરી લખા હોટેલમાં ચા-પાણી કરવા ગયો હતો.  દેવેન્દ્રસિંગ પરત ન આવતાં ક્લીનર સુનિલ હોટલમાં ગયો હતો અને હોટલ માલિકને દેવેન્દ્રનું પુછતાં તેણે દેવેન્દ્ર અહીં આવ્યો જ ન હોવાનું જણાવતાં ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજરને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. સામખિયાળી પોલીસે માળિયા નજીક મચ્છુ નદીમાંથી કોઈ શીખ યુવકની લાશ મળી હોવાનું જણાવી તેમને માળિયા પોલીસ મથકે મોકલ્યાં હતા. માળિયા પોલીસને 13મીએ મચ્છુ નદીમાંથી પોટલામાં વીંટળાયેલી એક લાશ મળી હતી. જે પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સરકારી મેડિકલ કોલેજ મોકલી આપી હતી. લાશની ઓળખવિધિ થઈ ગયા બાદ દેવેન્દ્રસિંઘના પરિવારજનોને બનાવ અંગે જાણ કરાતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતા.
ફરિયાદી બનેલા મૃતક દેવેન્દ્રસીંગના માતા પ્રકાશકૌરે માળિયા પોલીસ મથકે લખા હોટલના માલિક લખબીરસિંગ જશવંતસિંગ જાટ, પરબજિત ઉર્ફે પ્રભાતસિંગ, તારાસીંગ જાટ, બુટાસિંગ અને એક અજાણ્યા ઇસમ વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, લખા હોટલના માલીક લખબીરસિંગ જાટે દેવેન્દ્રને નશાનો ઓવરડોઝ કરાવ્યો જે ડોઝ સહન નથતાં દેવેન્દ્રસિંગનું મોત નિપજ્યું, મોત નિપજ્યા બાદ લખબીરે બાકીના ત્રણ આરોપીઓને બોલાવી લાશને બ્લેંકેટમાં વીંટાળી અલ્ટો કારમાં લઇ જઇ માળીયા મચ્છુ નદીમાં ફેંકી પુરાવાનો નાશ કરી બનાવને છુપાવવાની કોશીષ કરી છે.
સામખિયાળી પોલીસની કોઇ ધાક જ નથી ?
સામખિયાળી પોલીસની જાણે કોઇ ધાક જ ન હોય અને તમામ બુટલેગરોને જાણે પોલીસે છુટ આપી હોય તે પ્રમાણે આ વિસ્તારમાં મોટા ભાગની કંપનીઓના ગેટ પાસે અને લેબરો કોલોનીમાં દેશી દારૂનો વેપલો મોટા પ્રમાણમાં ચાલુ છે.અને ઘણા સમયથી સામખિયાળી પોલીસ આ બાબતે નિષ્ક્રિય છે.
સામખિયાળી થી સુરજબારીની હાઇવે હોટલો પર ખુલ્લેઆમ નશો વેંચાય છે !
કચ્છના પ્રવેશ દ્વાર ગણાતા સામખિયાળીથી સુરજબારી સુધી અનેક હાઇવે હોટલ અને ઢાબાઓ આવેલા છે જેમાંથી ઘણી ખરી હોટલો અને ઢાબાઓમાં નશીલા પદાર્થનું વેંચાણ કરાઇ રહ્યું છે અને ટ્રકોમાંથી માલ સામાનની ચોરીને પણ અંજામ અપાય છે. આ ઢાબા અને હોટલોમાં અંગ્રેજી શરાબ, અફિણ, પોષ ડેડા,, ગાંજો, ચરસ અને સફેદ પાવડર ઉપરાંત નશાના ઇન્જેક્શન પણ મળે છે. આ બાબતે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે અને સુરજબારી પોલીસ ચેક પોસ્ટથી માત્ર 200 મીટરના અંતરે જ એક હોટલ ઉપર યુવાન ટ્રક ચાલકનું નશાના ઓવરડોઝને કારણે મોત થયું એ આ વાતની સાબીતી સમાન છે. આ બનાવ બાબતે સામખિયાળી પીએસઆઇને પુછતાં તેમણે આ બાબતે કંલ જાણતા ન હોવાનું જણાવ્યું હતું.
 રસોઇયાએ ભાંડો ફોડી નાખ્યો
ક્લિનર સુનિલે મરનાર દેવેન્દ્રસિંઘને લખા હોટલમાં જતાં જોયો હોવા છતાં જ્યારે સુનિલ ઘણી વાર સુધી દેવેન્દ્ર ન આવતાં હોટલમાં પુછા કરવા ગયો ત્યારે આ બનાવને છુપાવવા દેવેન્દ્રસિંગ અહીં  આવ્યો જ ન હોવાનું જણાવ્યા બાદ પોતાની સગ્ગી આંખે હોટેલ અંદર જતો જોયો હતો. પણ, હોટેલમાલિક સતત ઈન્કાર કરતો હતો. ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજર સહિતના સ્ટાફે હોટેલ પર જઈ  હોટેલમાં રસોયા તરીકે કામ કરતાં રામદયાલ કુશ્વાએ ક્લિનર સુનીલ આગળ બધો ભેદ ખોલી દીધો હતો. રામદયાલે સુનીલને જણાવ્યું હતું કે, તેની હોટેલનો માલિક લખબીરસિંઘ જશવંતસિંઘ જાટ  ખાનગીમાં ટ્રક ડ્રાઈવરોને નશીલી ચીજવસ્તુ વેચે છે. મરનાર દેવેન્દ્રસિંઘ તે દિવસે બપોરે લખબીર પાસેથી નશીલી ચીજ લઈ પીવા માટે હોટેલના પાછલા ભાગે ગયો હતો. નશો કર્યા બાદ તે બેભાન થઈ ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. સાંજે તેની લાશ ત્યાં પડી હોવાનું રામદયાલે લખબીરસિંઘને જણાવતાં લખબીરે તેને લાશ ત્યાં જ રહેવા દેવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here