આ તારીખે આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે અનેક ચોંકાવનારી ઘોષણાઓ, જાણો

  2149

  આ વખતની વિધાનસભાની ચૂંટણી થોડી અલગ થવાની છે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. એનું કારણ છે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી નો પ્રવેશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જો એના સમય મુજબ યોજવામાં આવે તો ડિસેમ્બર 2022માં આપણે સૌ ફરી એક વાર નવી સરકાર માટે મતદાન કરીશું.  સુરત કોર્પોરેશનમાં લોકોની અપેક્ષાથી વિરુદ્ધ સારો દેખાવ કરીને આ પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પોતાનું પહેલું કદમ મૂક્યું હતું. છેલ્લા છ મહિનામાં ‘આપ’ પોતાના સંગઠનને પ્રમાણમાં સારું એવું મજબૂત કરવામાં સફળ ગઈ છે.

  આગામી 23 થી 25 નવેમ્બર દરમિયાન ‘આપ’ના ગુજરાતના કાર્યકરો અને આગેવાનોનું અધિવેશન થવાનું છે. ત્યાર બાદ 26મી નવેમ્બરે ‘આપ’ દ્વારા કેટલીક મહત્વની ઘોષણાઓ થવાની છે. જે ગુજરાતના મતદારો આકર્ષી શકે એમ છે. સત્ય ડે ન્યુઝ પાસે પાર્ટીના આધારભૂત સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જાણકારી આવી છે. જે મુજબ 26મી નવેમ્બરના રોજ ‘આપ’ દ્વારા થનારી ઘોષણા પછી ભાજપ અને કોંગ્રેસ ને પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડી શકે છે.

  ‘આપ’ની સરકારે દિલ્હીમાં ગવર્નન્સનું જે મોડેલ અમલમાં મૂક્યું છે એ જ મોડેલમાં જરૂરી સુધારા વધારા કરીને ગુજરાતની જનતા સમક્ષ મુકવામાં આવશે. જે આ મુજબ છે.

  1. સરકારી સ્કૂલોની સ્થિતિમાં ધરમૂળથી સુધારો કરવો જેથી ખાનગી સ્કૂલોમાં ખર્ચવા પડતા હજારો-લાખો રૂપિયાના બોજથી રાજ્યનો માધ્યમ અને ગરીબ વર્ગ મુક્ત થઇ શકે.
  2. 200 યુનિટ સુધી વીજળી નિઃશુલ્ક આપવી.
  3. સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓમાં ધરખમ સુધારાઓ કરીને આમ આદમીની ચિકિત્સાની ગુણવત્તા માં સુધારો કરવો, ચિકિત્સા પાછળ થતા ખર્ચમાં બને એટલે ઘટાડો કરવો. દિલ્હીની તરજ પર મહોલ્લા ક્લિનિક જેવી વ્યવસ્થા રાજ્યભરમાં ઉભી કરવી.
  4. રાજ્યના ખેડૂતોને એકદમ સામાન્ય દરે 24 કલાક વીજળી પુરી પાડવી.
  5. રાજ્યના ખેડૂતોને મળતી સિંચાઇની સગવડને 100 ટકાએ પહોંચાડવી.
  6. રાજ્યના ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો રૂ. 50 હજાર પ્રતિ એકરના દરે વળતર આપવું.

  રાજ્યમાં પોતાનો જનાધાર ઉભો કરવા માટે ‘આપ’ દ્વારા 26મી નવેમ્બરથી જે રણનીતિ અમલમાં મુકવાની છે એ મુજબ રાજ્યના ઘર-ઘર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ‘આપ’ના કાર્યકરો આખું ગુજરાત ખૂંદી નાખશે. સૂત્રોના જણાવ્યા મુજબ 2022ની ચૂંટણી પહેલા ‘આપ’ દ્વારા પ્રચંડ જનસંપર્ક કાર્યક્રમનો અમલ કરાશે અને જો પાર્ટી સત્તામાં આવશે તો ગુજરાતની જનતાને મળી શકનારા ફાયદાઓની જાણકારી રૂબરૂ જઈને આપવામાં આવશે. આ ઉપરાંત સંગઠનને મજબૂત કરવા માટે આક્રમક વલણ અપનાવવામાં આવશે.