નાગરિક્તા સંશોધન એક્ટ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નાગરિક્તા કાયદા પર રોક લગાવવાનો ઈન્કાર કરીને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. આ અરજીઓ અંગે આગામી સુનાવણી 22 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
જણાવી ગઈએ કે, આ અરજીઓમાં નરેન્દ્ર મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા આ કાયદાને બંધારણ વિરોધી બતાવવામાં આવ્યો છે. અરજકર્તાઓમાં અનેક નેતાઓ, NGO અને વરીષ્ઠ વકીલો પણ સામેલ છે.
નાગરિક્તા સંશોધન એક્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંતની પીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજકર્તાઓમાં કોંગ્રેસ નેતા જયરામ રમેશ, ત્રિપુરાના શાહી પરિવારના સભ્ય પ્રદ્યોત કિશોર દેબ બર્મન, અસદુદ્દીન ઓવૈસી, મહુઆ મોઈત્રા, પીસ પાર્ટી, એમ એસ શર્મા સહિત અનેક NGO સામેલ છે.
જણાવી દઈએ કે, આ લોકો તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી મોટા ભાગની અરજીઓમાં મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા નાગરિક્તા કાયદાને ગેરબંધારણીય ગણવામાં આવ્યો છે. તેની પાછળ એવો તર્ક આપવામાં આવ્યો છે કે, આ કાયદો ભારતીય બંધારણના આર્ટીકલ 14,21 અને 25નું ઉલ્લંઘન કરે છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અનેક ઠેકાણે નાગરિક્તા કાયદાની વિરૂદ્ધ ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. પૂર્વોત્તર બાદ દિલ્હીના જામિયા વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું હતું. જેમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પણ હિંસક પ્રદર્શન દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટના સામે આવી હતી.