ઈ-વ્હીકલ માટે સુરતમાં આટલા સ્થળોએ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરાશે, વ્હીકલ ટેક્સમાંથી મળશે મુક્તિ

ઈ-વ્હીકલ માટે સુરતમાં આટલા સ્થળોએ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરાશે, વ્હીકલ ટેક્સમાંથી મળશે મુક્તિ

એપ્રિલ-22 સુધીમાં તમામ બસ સુરતના રસ્તાઓ પર દોડતી થઈ જશે. હાલમાં 49 ઈલેકટ્રિક બસ સુરતના રસ્તા પર દોડી રહી છે. ઈલેકટ્રિક બસને રિચાર્જ કરવા માટે સોલાર પાવરના ઉપયોગનું પણ આયોજન કરવામાં આવશે. ઇ વ્હીકલ પોલીસીને વેગ આપવા માટે શહેરમાં 200 ચાર્જીગ સ્ટેશન ઉભા કરવા, ઇવ્હીકલને વ્હીકલ ટેક્ષમાંથી મુકિત અને મનપાના પે એન્ડ પાર્કમાં ફ્રી પાર્કીગની જોગવાઇ કરવામાં આવી છે.

સુરતમાં બીઆરટીએસ (Surat BRTS) તેમજ સિટી બસ માટે નવા બસ ડેપો બનાવવાની સાથે મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા માટે પણ આયોજનો કરવામાં આવ્યા છે. આ માટે બજેટમાં બીઆરટીએસ માટે રૂપિયા 9 કરોડ અને ટ્રાફિક વિભાગ માટે રૂપિયા 39 કરોડની જોગવાઇ, આઉટર રિંગરોડ પર બીઆરટીએસ કોરિડોર તેમજ બસ શેલ્ટર બનાવવા માટે રૂપિયા 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ લાલગેટ, લિંબાયત ઝોન, અઠવા ઝોનમાં રૂંઢ-મગદલ્લા, રાંદેરમાં અડાજણ ખાતે તેમજ ઈચ્છાપોર ડાયમંડ બુર્સ ખાતે મિકેનાઈઝ્ડ મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો- રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં રૂપિયા 2.60 કરોડના ખર્ચે બીઆરટીએસ બસ શેલ્ટર બનશે.

જયારે ઉધના, લિંબાયત, કતારગામ અને અઠવા ઝોન વિસ્તારમાં સિટી બસના રૂટની માહિતી માટે નવા માર્કર પોલ ઊભા કરાશે. આ માટે 1 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત પાલ આરટીઓથી ઈચ્છાપોર સુધી નવી બીઆરટીએસ લેન બનાવવામાં આવશે. આ માટે રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ બાયસિકલ શેરિંગ સિસ્ટમનો જુદા જુદા વિસ્તારોમાં વિસ્તાર કરવા 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં નવી 150 ઈલેકટ્રિક બસની ખરીદી માટે પણ આયોજનો કરવામાં આવ્યા છે.