કોરોનાના નવા વેરિયન્ટનો હાહાકાર, હવે એરપોર્ટ પર ઉતરીને સૌથી પહેલા કરવું પડશે આ કામ

  1136

  ગુજરાતમાં કોરોનાના કેસો હવે ઓછા થયા છે જયારે સમગ્ર વિશ્વમાં નવા ઓમિક્રોન વેરિયન્ટે ઉથલો મચાવ્યો છે. ભારત સરકારે પણ વિદેશમાંથી આવનારા મુસાફરોના એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરવાનો જાહેર કર્યો છે. આ ટેસ્ટમાં જે પણ મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે.

  ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર 11 દેશમાંથી આવનારા પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવા આદેશ આપી દીધો છે. આટલા ખતરનાક વેરિયન્ટને રોકવા સરકાર નિયંત્રણો કડક અમલ કરીરહી છે. બીજી તરફ ગ્રામપંચાયતોની ચૂંટણી અને વાઈબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે પ્રતિબંધો હટાવવા મુદ્દે સરકાર મૂંઝવણમાં મુકાઈ છે.

  મંગળવારે રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થઈ રહી છે જયારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને ગ્રામપંચાયતોની ચૂંટણી છે જેથી સરકારને પણ હવે પ્રતિબંધ હટાવવા કે નહીં એ અંગે મૂંઝવણ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર હવે શું નિર્ણય કરે છે એના પર સૌની નજર મંડાઇ છે. અમદાવાદ સહિતનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે.

  ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં રાત્રિ કર્ફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવી લેવો કે પછી હજુય યથાવત્ રાખવો એ મુદ્દે ચર્ચા થઇ હતી. નવા વેરિયન્ટની એન્ટ્રીને પગલે પ્રતિબંધ મુદ્દે સરકાર દ્વિધામાં મુકાઇ છે. મંગળવારે નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે.અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારી એરપોર્ટનું સંચાલન કરતા અદાણીના જવાબદાર હોદ્દેદારો સાથે આરોગ્ય વિભાગના સચિવ જયપ્રકાશ શિવહરેએ બેઠક યોજી હતી જેમાં વિદેશથી આવનારા અને તેમાં પણ ખાસ યુરોપ અને આફ્રિકાના 12 દેશમાંથી આવનારા પ્રવાસીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેમનું ફરજિયાત કોવિડ ટેસ્ટિંગ પર ભાર મૂકવા તથા જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

  હાલ અમદાવાદ એરપોર્ટ પર 12 દેશ સિવાય અન્ય દેશમાંથી આવતા પાંચ ટકા પ્રવાસીઓનો રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે,જે વિનામૂલ્યે રહેશે. જ્યારે નોટિફાઇડ કરાયેલા બહાર દેશોમાંથી આવનારા પ્રવાસીઓનો કોવિડ ટેસ્ટ પ્રવાસીએ પોતાના ખર્ચે કરાવવાનો રહેશે.