સુરતમાં ફાયર અધિકારી જ NOC બાબતે લાંચ લેતા ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

સુરતમાં ફાયર અધિકારી જ NOC બાબતે લાંચ લેતા ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

સુરતમાં કોમર્શિયલ એકમો, હોસ્પિટલ્સ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો માટે ફાયર NOC મેળવવી ખૂબ જ જરુરી છે. આ તમામ સ્થળો પર આગ લાગવાની દુર્ઘટના ન બને એ માટે પાલિકા દ્વારા ફાયર એનઓસી લેવી ફરજીયાત બનાવાઈ છે. ફાયરના અધિકારીઓએ સલામતી ઉપકરણોની તપાસ ખાતરી કર્યા બાદ ફાયર એનઓસી આપવાની હોય છે.

જો કે આ તમામ એકમો દ્વારા ફાયર NOC લેવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. જો કે એક વ્યક્તિ આ રીતે ફાયર NOC રીન્યુ કરવા માટે જ્યારે ફાયર અધિકારી પાસે જાય છે. ત્યારે તેની પાસે ફાયર અધિકારી દ્વારા રૂપિયા 30 હજારની લાંચ માગે છે. આ કિસ્સામાં સુરત એસીબીએ એક ટ્રેપ કરીને લાંચિયા અધિકારીને ઝડપી લીધો છે. બેચર કરમણભાઈ સોલંકી , ફાયર ઓફિસર વર્ગ -3 , મોટા વરાછા અને સચિન અરજણભાઈ ગોહિલ (ખાનગી વ્યક્તિ)ને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડી બંનેની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના મોટા વરાછામાં તુલસી આર્કેડમાં ખોડલ ચા એન્ડ કોફી શોપના દુકાનદાર ફાયર એનઓસી રિન્યુ કરાવવા જાય છે. ત્યારે તેમની પાસે લાંચ માગવામાં આવે છે. ફરિયાદીએ કોમર્શિયલ શોપીંગ સેન્ટરની ફાયર સેફટી NOC રીન્યુ કરાવવા માટે સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ સેફટી વિભાગમાં અરજી કરી હતી. જે બાદ ફાયર વિભાગના ક્લાસ -3 કર્મચારી બેચર સોલંકીએ ફરીયાદીને બોલાવીને તેને NOC મેળવવી હોય તો 30 હજાર રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યુ હતું. તેમજ ફરીયાદીને પોતાના વિશ્વાસુ સચિનને પૈસા આપવા કહ્યું હતુ.