પર્યુષણ : આઠ ઉપવાસ બાદ યુવતીનું હૃદયરોગથી અવસાન

પર્યુષણ : આઠ ઉપવાસ બાદ યુવતીનું હૃદયરોગથી અવસાન

24 INDIA : જૈન સમાજમાં પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. અન્ય પર્વની જેમ આ પર્વની ઉજવણી વિવિધ ખાનપાનથી થતી નથી. આ દિવસોમાં ઉપવાસનો મહિમા હોય છે. તપસ્વીઓ 3, 8, 16 કે 30 દિવસના સળંગ ઉપવાસ કરતાં હોય છે. આ ઉપવાસ પણ કંઇ પણ ખાધા વગરના માત્ર ઉકાળેલું ગરમ પાણી પીને કરવાના હોય છે. પર્યુષણ કે ચાતુર્માસ દરમિયાન અનેક તપસ્વીઓ આવા ઉપવાસ કરે છે. પરંતુ ક્યારેક આરોગ્યની કોઇ સમસ્યા હોય તેવી વ્યક્તિ આવા ઉપવાસ કરે તો તે ખૂબ આકરા પડી શકે છે.

આવો જ કિસ્સો માંડવી તાલુકાના કોટડી મહાદેવપૂરી ગામમાં બન્યો છે. મૂળ કોટડીની અને હાલે મુંબઇના માટુંગામાં રહેતી યુવતીનું આઠ ઉપવાસ પછી હૃદયરોગનો હુમલો આવવાથી અવસાન થતાં શોકની લાગણી વ્યાપી છે. મુંબઇમાં રહેતા કચ્છી જૈન પરિવારો ચાતુર્માસ અને ખાસ કરીને પર્યુષણ વખતે વતન આવવાનું પસંદ કરે છે. વતનમાં મહારાજ સાહેબ અને મહાસતીજીઓના સાનિધ્યમાં ધર્મારાધના કરે છે.

આવી જ રીતે માટુંગામાં રહેતા કિરીટભાઇ આસુભાઇ ગાલાની 25 વર્ષીય પુત્રી એકતા પર્યુષણ કરવા માટે પોતાના વતન કોટડી મહાદેવપૂરીમાં આવી હતી. તેને ત્યાં બીરાજમાન સંતોના સાનિધ્યમાં તપ, જપ સાથે આ પવિત્ર તહેવાર ઉજવવો હતો. તેણે આઠ ઉપવાસ કર્યા હતા. પરંતુ તબીયત લથડી હતી તેથી મહારાજ સાહેબે તેને ઉપવાસનાં બદલે એકાસણા (દિવસમાં એક વખત જમીને ઉપવાસ કરવો) કરવાની સલાહ આપી હતી.

જો કે આ દરમિયાન જ તેને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. વિશેષ સારવાર નસીબ થાય તે પહેલા જ તે અવસાન પામી હતી. ધાર્મિક વૃત્તિવાળી આ યુવતીનાં અવસાનના પગલે તેના કુટુંબીજનો, જૈન સમાજ અને ગામજનોમાં શોકની લાગણી વ્યાપી હતી. તેની અંતિમ યાત્રામાં જૈન- જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

2 thoughts on “પર્યુષણ : આઠ ઉપવાસ બાદ યુવતીનું હૃદયરોગથી અવસાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *