ટેન્કર સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાથી સાત કર્મચારીઓના મોત, તપાસના આદેશ

ટેન્કર સાફ કરતી વખતે શ્વાસ રૂંધાવાથી સાત કર્મચારીઓના મોત, તપાસના આદેશ

આંધ્રપ્રદેશના રાગમપેટા ગામમાં એક મોટી ઘટના સામે આવી છે. અહીં ખાદ્યતેલ બનાવતી કંપનીમાં ટેન્કર સાફ કરતી વખતે સાત કામદારોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, તમામ કર્મચારીઓના મોત ગૂંગળામણને કારણે થયા છે.

પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કામદારો તેલની ટાંકીમાં તેને સાફ કરવા ગયા હતા. આ ઘટના સવારે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતકો પેડ્ડાપુરમ મંડલના પડેરુ અને પુલીમેરુના રહેવાસી હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક વ્યક્તિ પહેલા ટાંકીમાં ઘૂસ્યો હતો, પરંતુ જ્યારે તે ઉપર ન આવ્યો તો બીજો પણ તેની પાછળ ગયો.

બીજી તરફ પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે ફેક્ટરી મેનેજમેન્ટે કામદારોને યોગ્ય સુરક્ષા સાધનો આપ્યા નથી. પોલીસે જણાવ્યું કે, એક મજૂર ટાંકી સાફ કરી રહ્યો હતો. તેલના કારણે તે લપસી ગયો અને અંદર પડ્યો, જેને બચાવવા અન્ય છ લોકો તેમાં ચડી ગયા અને ગૂંગળામણથી મૃત્યુ પામ્યા.

પોલીસે જણાવ્યું કે, પાંચ મજૂરો પડેરુના અને બે પેદ્દાપુરમના હતા. આ ઘટના બાદ કાકીનાડા જિલ્લા કલેક્ટર કૃતિકા શુક્લાના આદેશ પર ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે અને IPC કલમ 304A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર સભ્યોની ટીમ પણ બનાવવામાં આવી છે.