સુરતમાં ધો. 8 ના વિદ્યાર્થીના બેગમાંથી કંઈક એવું મળી આવ્યું કે પોલીસ પણ જોઈને ચોંકી ગઈ

સુરતમાં ધો. 8 ના વિદ્યાર્થીના બેગમાંથી કંઈક એવું મળી આવ્યું કે પોલીસ પણ જોઈને ચોંકી ગઈ

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં જોવા મળતી ગુનાખોરી પર કાબુ મેળવવા માટે સુરત શહેર પોલીસે સ્પેશ્યિલ ટીમની રચના કરી છે. આ ટીમ દ્વારા સતત સ્કૂલોની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આવી જ એક સર્ચ પેટ્રોલિંગ દરમિયાન ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે એક યુવક તથા ધો.8નો વિદ્યાર્થી પોતાની સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ વિદ્યાર્થીના સ્કૂલ બેગની તપાસ કરતા તેમાંથી દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થી અને તેની સાથે ફરતા યુવકને પકડી લીધો હતો અને આ હથિયારો વિદ્યાર્થી ક્યાંથી લાવ્યો તેની તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હથિયારો સાથે રાખીને ફરતા હોવાની બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરતા ધો. 8ના વિદ્યાર્થઈની બેગમાંથી હથિયાર મળ્યા હતા. દેશી તમંચા સાથે છરા પણ મળ્યા હતા. એક આરોપીની ઉંમર માત્ર 16 વર્ષ છે, જે ધો. 8માં અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલસિંગ (ઉધના) પાસેથી લાવ્યો હતો. તેનો ઉપયોગ શું કરવાનો હતો તે અંગે હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આરોપી જાવેદ જમીર શેખ (રહે. એસએમસી આવાસ, ખટોદરા) ને પકડી પાડ્યો છે.