આજે જામનગર અને રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો

આજે જામનગર અને રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો

જામનગરના કાલાવડ તાલુકાના અને રાજકોટના ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. તાલુકાના ખરેડી, નાના વડાળા,ડેરી,ગુંદા, મેટીયા, શ્રીજી નગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે બીજી બાજુ તાલુકાના અનેક ગામોમાં વરસાદી છાંટા સાથે કરા પણ પડયા છે.

રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળી રહી રહ્યો છે. ગોંડલ અને કોટડા સાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હાલ ખેડૂતોના ખેતરમાં તલી, બાજરી, મગનો પાક ઉભો છે. તલીમાં ડોડવા બંધાવાની તૈયારી છે તો બાજરીમાં ડુંડા પણ બેસી ગયા છે. ત્યારે કમોસમી વરસાદથી આ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો પણ ઉંચો રહેતા લોકો આકરી ગરમીથી અકળાયા છે.