સુરતના આ તમામ વિસ્તારમાં બે દિવસ સુધી પાણી કાપ, સમાચાર વાંચી લેજો

સુરતના આ તમામ વિસ્તારમાં બે દિવસ સુધી પાણી કાપ, સમાચાર વાંચી લેજો

સુરત મનપા દ્વારા તબક્કાવાર આખા શહેરમાં 24 કલાક પાણી યોજના લાગુ કરવા તરફ પ્રયાણ શરૂ થઇ ગયું છે. જેનો પાયલટ પ્રોજેકટ ન્યુ નોર્થ ઝોન એટલે કે અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ વિસ્તારમાં વર્ષ 2013માં શરૂ થયો હતો. હવે આ વિસ્તારમાં આવેલી 13 ઓવરહેડ ટાંકીની 500 મીમીની આઉટ ગોઇંગ લાઇન પર ફ્લો મેજરમેન્ટ મીટર ફીટ કરવા માટે 2.10 કરોડના અંદાજો મંજુર કરવામાં આવ્યા છે.

લિંબાયત  વિસ્તારમાં સંજયનગર ખાડી પાસે ખાડી બ્રીજ પર આવેલી હયાત ટ્રાન્સમીશન પાણીની  લાઈનને નવી નાખવામાં આવેલી લાઈન સાથે જોડવાની કામગીરી હાઈડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવશે. આ કામગીરી તા. 10 મી ફેબ્રુઆરીએ કરવામાં આવશે. વહેલી સવારથી કામગીરી કરવાની હોય, શહેરના લિંબાયત ઝોન, સેન્ટ્રલ ઝોનનો ઉત્તર ભાગ, વરાછા ઝોન અને કતારગામ ઝોન આ ચારેય ઝોનના અમુક અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે કે ઓછા પ્રેશરથી મળશે તેમ જણાવાયું છે.

જેમાં વરાછા વિસ્તારના અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા વિસ્તાર. લિંબાયત ઝોનમાં નવાગામ ડીંડોલી તથા સેન્ટ્રલ ઝોનના (ઉત્તર) દિલ્હીગેટથી ચોક બજાર રાજમાર્ગથી ઉત્તર તરફનો સમગ્ર વિસ્તારમાં તથા કતારગામ ઝોનના સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી વિસ્તારોમાં તા. 10 અને 11 મી ફેબ્રુઆરીએ પાણી પુરવઠો અવરોધાશે અથવા ઓછા પ્રેશરથી મળવાની શક્યતા છે. જેથી આ વિસ્તારના રહીશોને પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા મનપા દ્વારા જણાવાયું છે.